અધરુી ચોપડી

                                                                                                       રાજેષ એલ.પટેલ (દાંતેજ )

  “નયન, એક ચોપડી મને પણ વાંચવા આપતો જા ને ! ” ગામના પાદરે બેઠેલા હરીશકાકાએ પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈને પાછા ફરતા નયનને કહ્યુ .

 “આવ ,નયન અમારી સાથે થોડીવાર બેસતો ખરો અને હા ,તુ આ બધી ચોપડીઓ વાંચે છે એનો લાભ અમને પણ આપને !” ચંપકભાઈએ પણ નયનને આવકાર્યો .

     ઘણા સમય પછી સાતેક ,વડીલો અને મિત્રો સાથે નયન વાત કરવા બેસી ગયો .વાંચનના રસીક નયને  ગામગોષ્ઠિની શરૂઆત કરી ,”વડીલો /મિત્રો ,ચાલો તો આજે આપણે “જીવન “વિષે વાત કરીએ .

                             જન્મ અને મરણ વચ્ચેનો સમય એટલે જીવન ; 

                                      જીવન એટલે વહેતુ ઝરણુ :

                                જીવન એટલે ઘરથી સ્મશાન સુધીનો રસ્તો ;      

                        જીવન એટલે અણધારી મંઝિલની સફર …વગેરે વગેરે .

   આપણે  જન્મબાદ જેમ જેમ મોટા થતા જઈએ ત્યારે માતાપિતા ,ભાઈબહેન ,કાકા,ફોઈ જેવાજુદાજુદા કૌટુંબિક  સંબંધો ,આસપાસનો માહોલ ,મિત્રવર્તુળ /સામાજિક સંબંધો ,શિક્ષણ ,વાંચન ,ફોન ,ટી. વી .,કોમ્પ્યુટર જેવા જુદા જુદા માધ્યમોમાંથી મળતી માહિતીઓની  આપણા મન પર અસર અને તેનાથી બાળપણથી જ જીવન માટે બંધાતી જુદી જુદી આશા ,અપેક્ષા અને ધ્યેય .જો કે આ આશા ,અપેક્ષા ,ધ્યેયમાં બાળપણ ,કિશોરાવસ્થા ,યુવાની, વૃદ્ધાવસ્થા જેવી જીવનની અવસ્થા પ્રમાણે ફેરફારો પણ થતા જ રહે છે .

 સામાન્ય રીતે આપણા પોતાના જીવન માટે પણ આપણે ઘણી બાબતોમાં બીજાના પર જ આધારિત હોઈએ છે ,જેમ કે  પૃથ્વીપર આપણા અવતરણનું માધ્યમ –  માતાપિતા ;

                       આપણી ઓળખ માટેનું નામ  – ફોઈ કે અન્ય સંબંધો ;

                    કેળવણી અને શિક્ષણ – ઉછેર દરમ્યાનનો સામાજિક માહોલ ,શાળા ,મહાશાળા કે વિશ્વવિદ્યાલય ;

                   મનોરંજન /રમતગમત – મિત્રવર્તુળ ,રેડીઓ /ટી.વી.,ફિલ્મ ,ઇલેકટ્રોનિક માધ્યમ વગેરે .

  આ ઉપરાંત જીવનનિર્વાહના જુદા જુદા પડાવો ,સામાજિક રીતરિવાજો ,તંદુરસ્તી વગેરે માટે પણ આપણે કુદરતી સ્રોતો અને અન્ય પર આધારીત હોઈએ છીએ . હા ! આ બધુ દરેક વ્યક્તિના જીવનમાં  સરખું જ હોય એવુ જરૂરી નથી . આદરણીય વડીલો તમે પણ તમારા અનુભવનો અમને લાભ આપો .”

      હરીશકાકા આ ગોષ્ટિને આગળ વધારતા બોલ્યા ,”નયન  તેં જીવન વિષે ટૂંકમાં ઘણી જ ગૂઢ વાત કરી .આજ તો વાંચનનું મહત્વ છે .અને એટલે જ કહી શકાય કે  કે વાંચન તથા અનુભવ શબ્દ થઈને પણ બીજાને શીખવે છે .આજના સભ્ય માનવ સમાજમાં કૌટુંબિક માહોલ ,વડીલોના જીવન અનુભવના આધારે ભાવિ પેઢીની જરૂરીયાતોની દૂરંદેશીને ધ્યાનમાં લઇ જન્મથી જ અપાતી ઉછેર દરમ્યાનની દોરવણી ,શિક્ષા અને લક્ષ્યાંકના કારણે આજના માણસની સફળતા /કાર્યકુશળતા વધી રહી છે . એટલે જ જેમ કાળક્રમે જન્મથી માણસની જાતિ નક્કી થતી ગઈ તેવી રીતે જ  આજે વ્યાવસાયિક રીતે પણ આગળ પડતા કુટુંબો તૈયાર થતા ગયા .હેમંતભાઈ તમારુ શું માનવુ છે ?”

     વાતનો દોર આગળ વધારતા હેમંતભાઈ બોલ્યા ,”ઘણા મહાનુભાવો કહે છે તેમ હવે બાળકમાંથી સીધા યુવાનો જ બની જાય છે .કિશોરાવસ્થા આનંદ પ્રમોદ કે ઘડતર માટે હતી તે વિદ્યાભ્યાસ કે કોચીંગ ક્લાસીસે લઈ લીધી છે . આ ઝડપી જમાનાની એક અવળી અસર એ પણ છે કે મનગમતું કાર્યક્ષેત્ર મળી ગયુ હોય  ત્યારે યુવાનીમા જ માણસ કારકિર્દી પણ બનાવી લેતા હોય ત્યારે ‘બે મિનિટનો વિશ્રામ ‘જેવી વાત કરવા વિચાર થાય કે આવા સમયે અપ્રદર્શીત રહેતી  કેટલીક લાગણી કે વણ  બોલાયેલ શબ્દો માટે પણ વિચારવા જેવુ ખરુ !

   જેમકે પહેલાના માણસો દરેક બાબતમાં બચતને વધુ મહત્વ આપતા જયારે આજના ઝડપી/ઉપભોક્તાવાદના સમયમાં બચતને બદલે વધુ ધન ઉપાર્જન ,શારીરિક સજ્જતા માટે ચોવીસ કલાક ચાલતી હેલ્થ ક્લબ ,ઝડપી વાહન/ સંદેશા  વ્યવહાર વગેરેના કારણે આપણે ફક્ત સમયનો જ  ભોગ આપીએ છીએ .ટૂંકમાં દરેક માણસે સમયનું યોગ્ય આયોજન કરી જીવનની જરૂરિયાતોનો અગ્રીમતાક્રમ નક્કી કરવો ઘણો જ અગત્યનો થઇ ગયો છે .”

      અત્યાર સુધી સંવાદ સાંભળી મનન કરી ચંપકભાઈ બોલ્યા ,” વડીલો /મિત્રો આવા સંવાદથી વિચારોની આપલે ઘણી જ ઉપયોગી છે .હેમંતકાકાએ કહ્યુ તેમ અપ્રદર્શીત લાગણી કે અપેક્ષા ,માટે જીવનની દરેક અવસ્થાએ થોડા કલાકો ફાળવવા જોઈએ .કૌટુંબિક  માહોલમાં આવી લાગણી ,અપેક્ષાની સ્વજનો  /સ્નેહીજનો સાથે વિચાર વિનિમય માટે સમયને અગ્રીમતાક્રમમાં રાખી માનવજીવનની ઉક્રાંતીમાં પ્રવેશી રહેલ  કેટલીક માનસિકવિકૃતિઓથી બચી શકાય ( માનસિક તણાવ ,સ્વકેન્દ્રીતપણું,એકાકીપણું ,સ્વાર્થીપણુ …) .કેટલીકવાર  સમયના અભાવના કારણે જ માતાપિતા ,ભાઈબહેન ,પુત્ર પુત્રી ,તથા અન્ય કૌટુંબીક સંબંધોમાં જાણ્યે અજાણ્યે સમય/સંજોગોની વ્યસ્તતાના કારણે  ન્યાય ન આપી શક્યાના અપરાધભાવની લાગણી અથવા ઘણીવાર સામેની વ્યક્તિને લાગતું હોઈ કે મારી   અવગણના કરવામાં આવી એવો અહેસાસ થતો હોય ત્યારે  જે તે સમયના સંજોગો કે અન્ય લાચારીના કારણે આપણે નાલેશી કે લાગણી દુભાવ્યાનું અનુભવ્યે છે ,મગનકાકા તમે આ વિષયમાં શું વિચારો છો ?”.

       મગનકાકા બોલ્યા ,”મેં  સોશીયલ મીડિયામાં એક સરસ મઝાનું વાક્ય વાચ્યું છે,  ‘ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનુ બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી જીંદગી ‘,ટુંકમાં જીવનમાં નશીબ અને કર્મનો સિધ્ધાન્ત પણ ભાગ ભજાવતો હોય છે એવુ મારુ માનવુ છે .ખરેખર આજે આ વાતમાં ખુબ મઝા પડી .”

       અંતે આ ગામ ગોષ્ટિને વિરામ આપતો  હોય તેમ નયન બોલ્યો  ,” મુરબ્બી વડીલોં અને મિત્રો ,વાંચનથી આપણે જીવન વિષે જરૂરથી વિચારી શકીએ ,વળી તમારા જેવા વડીલો સાથેના સંવાદથી જીવન માટેનો આધારભૂત અનુભવ પણ સાંભળવા મળ્યો . ટુંકમાં આ સંવાદની શરૂઆત પુસ્તકના વાંચનથી કરી છે એટલે કહી શકાય કે જીવન પણ પુસ્તકાલય જેવું જ છે ,જેમાં કેટલાક પુસ્તકો સમય /સંજોગ પ્રમાણે અધૂરા પણ રહી જતા હોય .

જીવન પણ એક’ અઘૂરી ચોપડી’  જ છે. ‘

    વિકાસની વક્રતા

 

  “આ  હા  હા ! એકવીસમી સદીના એકવીસમાં ( ૨୦૨૧) વર્ષની સરખામણી વીસમી સદીના (૨୦୦୦ )અંતિમ વર્ષ સાથે કરવામાં આવે તો માનવજાતે કેટલો બધો વિકાસ કર્યો ! આ ઈન્ફોરમેશન ટેક્નોલોજી અને કોમ્પ્યુટરે  તો કમાલ કરી,દુનિયાને ગામડું જ નહિ પણ ફળિયું,બનાવી દીધું એમ કહીએ તો પણ ખોટુ નથી.” દિપેશ વિકાસની વિલાસવાણીના પ્રવાહમાં બધાને હજુ આગળ તાણી જાત,પણ ત્યારે જ જીવણકાકાએ ગામના ચોતરે પ્રવેશતા કહ્યું ,”અલ્યા,દીપુ તારી બા ઢોરને પાણી પાવા તને ઘરે બોલાવે છે .”

  સાંજના સમયે ૮-૧୦ વડીલો અને યુવાનો ભેગા થતા હોય અને ગામ ગપાટા ચાલતા હોય કોઈને કોઈ સ્વ્યમસ્ફુરિત મુદ્દા પર ચર્ચા ચાલુ થતી.ભારતના કેટલાક ગામડામાં હજુ પણ જળવાઈ રહેલ આ પ્રથાથી ટેક્નોલોજીના યુગમાં વધતી જતી જનરેશનગેપને કંઈક અંશે દૂર કરી વડીલોને નવી ટેક્નોલોજી અંગે અને યુવાનોને વડીલોના અનુભવનું આદાનપ્રદાન થતું રહેતું હોય છે.

  જીવણકાકાએ બધાને ‘જય શ્રીકૃષ્ણ ‘ કર્યાબાદ બોલ્યા,”અલ્યાઓ ,આ દિપો હાની વાત કરતો ઉતો ?”

      કોલેજીયન દક્ષેષે જવાબ આપ્યો,”દાદા,એ તો અમે આજે વિકાસની (પ્રગતી ) વાત કરતા હતા .”

      ચર્ચામા જોડાતા હરીશભાઈ બોલ્યા,”આજની અદ્યતન ટેક્નોલોજી, મશીનરી,કોમ્પ્યુટરે  દરેક કામો ઝડપી બનાવી દીધા.ઓછા માણસો પણ ઘણું કામ કરી શકે.અમારા જમાના સુધી થયેલ વિકાસ એટલે આપણી મુખ્ય જરુરીયાતો રોટી,કપડાં,મકાન,વાહન વ્યવહાર,મનોરંજન વગેરેને લગતી આપણી જરૂરીયાતોને હાથવગી કરવા માટેની ગોઠવણ જ કહીએ તો પણ ખોટું નથી.પણ આજના વિકાસે તો ભારે કમાલ કરી ! સવારે ગામમાં તો ગણતરીના કલાકોમાં ઇંગ્લેન્ડ,અમેરીકા,કેનેડા,ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં,આ ઈમેલ તો એવુંને કે દુનિયાના કોઈ પણ ખૂણામાં તરત જ સંદેશો કે સમાચાર પહોંચાડી દે.આખો દિવસ ટીવીમાં દુનિયાના સમાચાર અને મનોરંજનના કાર્યક્રમો ચાલ્યા જ કરે.ઘર બેઠા બેઠા કચેરીનું કામકાજ થતું રહે.વાહન વ્યવહાર,મનોરંજન અને મોજ શોખની નવી નવી વસ્તુઓ વગેરે વગેરે  જોઈને અમારુ તો મગજ જ વિચારતું બંધ થઈ જાય તેવું !”

      વાતને આગળ વધારતા દિનેશ બોલ્યો,”વડીલો,જે તે  સમયને અનુરૂપ થયેલ વિકાસ યોગ્ય જ હતો.પરંતુ અત્યારે  દુનિયામાં વધતી જતી માનવ વસ્તીની જુદી જૂદી જરૂરિયાતોને  સંતોષવા માટે ટેક્નોલોજી જ એક માત્ર  માધ્યમ છે.અને આથી આજનો વિકાસ દુનિયાની બધી જ માનવ વસ્તીના ભેગા પ્રયત્નોને આભારી છે.”

      આગળ કહેવાનું બાકી રહી ગયેલ એવું યાદ આવતા હરીશભાઈ બોલ્યા,”ભાઈઓ દુનિયા સતત બદલાતી રહેતી જ હોય, બદલાતા સમય અને બદલાતી જરૂરિયાતોને પરીપૂર્ણ કરવા માનવી દ્વારા ઉપયોગમાં લેવાતી જુદી જુદી નવીનતમ  કાર્યપદ્ધતિના પરિણામનું ફળ એટલે વિકાસ .માનવ ઉત્ક્રાંતિમાં વિકાસે ઘણો જ અગત્યનો ભાગ ભજવ્યો છે.જંગલી અવસ્થાથી આજના સભ્ય સમાજની સફર વિકાસને જ આભારી છે.પરંતુ આપણે એ પણ સ્વીકારવુ પડે કે બદલાવ સમયને અનુરૂપ કે જે તે સમયની જરૂરિયાત મુજબ હશે,પણ તે સદૈવ માનવ જાત માટે ફાયદાકારક જ હશે એવું માનવું પણ યોગ્ય નથી.બદલાવનુ નિયંત્રણ કરવું ઘણુ જ મુશ્કેલ છે .”

     હરીશભાઈની વાતમાં સહમતી દર્શાવતા દિનેશ બોલ્યો,”હરીશભાઈ તમારી વાત ઘણી જ સાચી છે.આ ઇન્ફોરમેશન ટેક્નોલોજી કે કોમ્પ્યુટરના અવિચારી કે બિનજરૂરી વધારે પડતા ઉપયોગને કારણે માનવ જીવનમાં પ્રેમ,દયા,વિશ્વાસ,ત્યાગ,માન-સન્માન જેવી કેટલીયે ભાવાત્મક લાગણીઓને અવળી અસર પણ થઈ,જે માનવસભ્યતા,સંસ્ક્રુતિ માટે ગૌરવ પદ નથી.આથી જ હાલના સમયમાં જે વિકાસ પુરી માનવ જાતના ફાયદામાં હોવો જોઈતો હતો એ સિમિત વ્યક્તિઓ કે કંપનીઓ માટે જ રહ્યો છે,આ અસમાનતાના ત્રિભેટે ઉભેલ માનવજાતનું ભવિષ્ય શું હશે એ કહેવુ મુશ્કેલ છે.”

     અત્યાર સુધી શાંતિથી વિકાસની વાત સાંભળી રહેલ મગનકાકા બોલ્યા,”તારી વાત સાચી છે દિનેશ ,આદિકાળથી માનવજાતનો વિકાસ બહુયાયામમાં થયો છે,જેના ફળ સ્વરૂપે આપણી મૂળભૂત જરૂરિયાતો ઉપરાંત મોજશોખ,રમતગમત,અધતન વાહન વ્યવહાર,એટલુંજ નહિ સામુહિક જીવ સંહારક સાધનો જેવાકે જુદાજુદા બૉમ્બ,મિસાઈલ,યુદ્ધ ટેન્ક વગેરની પ્રગતિના કારણે  જુદા જુદા દેશો વચ્ચેની સશ્ત્રદોટના લીધે  કેટલીયે વાર દુનિયાની મોટા ભાગની જીવ સૃષ્ટિનો નાશ થઇ શકે એટલા સશ્ત્રો બનાવ્યા છે.”

    મગનકાકાની વાતને અનુમોદન આપતા દક્ષેષ બોલ્યો ,”દાદા,આજે શાળા,મહાશાળા કે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણ પણ એટલું બધુ વિસ્તર્યું છે કે પહેલાના સમયમાં અભ્યાસમાં ઘણા વિષયો શીખવવામાં આવતા હતા ,અત્યારે તેવા ઘણા વિષયોમાં સ્પેશિયાલિસ્ટની પદવી (ડિગ્રી )આપવામાં આવે છે .આ ઉપરાંત જુદા જુદા વિષયોમાં સંશોધનો તો અવિરત ચાલુ જ છે.”

    વાતનો દોર આગળ ધપાવતા હરીશભાઈ બોલ્યા,”દુનિયા અત્યારે વ્યાપારિકવૃત્તિથી ચાલે છે.જેમાં મહદ અંશે ફાયદો કે નફો જ જોવામાં આવે છે.માનવીય લાગણી ગૌણ બની ગઈ છે.આજનું વ્યવસાયિક શિક્ષણ પણ મોટાભાગે  રોજી રોટી કે આર્થિક માપ દંડથી જ આપવામાં આવે છે.ઘણા શિક્ષણશાસ્ત્રીઓએ પણ સ્વીકાર્યું છે કે શિક્ષણમાં માનવ સ્વભાવની મૂળભૂત લાગણીઓ,પ્રેમ,દયા,વિશ્વાસ,ત્યાગ ,વફાદારી,માન-સન્માન,વગેરે જેવા ગુણોને પણ પ્રાધાન્ય આપવાની જરૂર છે.નહિ તો દિનેશે કહ્યું તેમ દુનિયાનો વિકાસ ફક્ત થોડા વ્યક્તિઓના લાભમાં જ રહશે.”

     સાંપ્રત સમસ્યાને ચર્ચામાં સમાવતા દિનેશ બોલ્યો ,”અત્યારે પણ રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.દુનિયા આખીને બીક છે કે ક્યાંક એ ત્રીજા વિશ્વયુદ્ધમાં ન ફેરવાઈ.જોકે બધા જ દેશો આજના યુદ્ધના સંભવિત ભયાનક પરિણામથી થર થર કાંપે છે.કારણ કે આજે દુનિયાના જુદા જુદા દેશો પાસે જે અત્યાધુનિક સામુહિક સંહારકશાસ્ત્રોનો કુલ જથ્થો એટલો બધો છે કે જો આ બધાજ શાસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો ન જાણે કેટલીયેવાર દુનિયાનો વિનાશ થઇ શકે.”

    હરીશભાઈ બોલ્યા,”આપણે આ વિકાસની વાતના વિશ્લેષણમાં વિશ્વયુદ્ધની વાત સુધી વિચારીયે છીએ ત્યારે  પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯੧૮ ),બીજું વિશ્વયુદ્ધ( ૧૯૩૯-૧૯૪૫) અને ભવિષ્યમાં જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો અત્યારનાઆધુનિક સામુહિક સંહારક શાસ્ત્રોના ઉપયોગથી મોટા ભાગની માનવસર્જિત ભૌતિકસૃષ્ટિ અને કુદરતી જીવસૃષ્ટિ ખતમ થઇ જવાની શક્યતા હોઈ.મહાન આર્ષદ્રષ્ટા વૈજ્ઞાનિક અલબર્ટ આઈન્સ્ટાઈનને  ત્રીજા  વિશ્વયુદ્ધની ભયાનકતા વિષે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને કહ્યું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ એટલું ભયાનક હશે અને ત્યારે કેવા સશ્ત્રો વપરાશે કે તેના વિષે બોલવું મુશ્કેલ છે, પરંતુ ચોથું વિશ્વ યુદ્ધ લાકડી અને પત્થરોથી લડાશે. (Albert Einstein is often quoted as having said:‘I know not with what weapons world war- III will  be fought,but world war -IV will be fought with sticks and  stones).

    આતો ભાઈ એવું થયું કે કોઈ સજ્જન માણસ વિષે મોટા ભાગના લોકો સારો અભિપ્રાય જ આપતા હોઈ પરંતુ કેટલાક વાંક દેખા એમ પણ કહેતા હોઈ કે ‘ આમ તો આ માણસ બધી રીતે સીધો સાદો છે પણ કોઈકવાર વાંકો   પણ થાય છે એવો મારો અનુભવ છે’,બસ વિકાસનું પણ એવું જ હો ! ભાઈ.’                 અંતે બધા વિકાસની વાત કરી છુટા પડયા.

 કીડીનીપસંદગી

                                                                                       રાજેષ  એલ . પટેલ  ( દાંતેજ )

      ”અરે હેમા, જરા ધ્યાન દઈને સાફસફાઈ કરજે, પણ ઓટલા બહારના  કીડીના દરને નુકશાન ન કરતી ” મમ્મીએ ઓટલા તરફ જોઈને આદેશ કર્યો .

      ”ઓટલાના ખૂણામાં એ રાફડો કેટલો ખરાબ લાગે ?’’ હેમાનો પ્રતિઉત્તર .

       ”જો બેટા , આ જગતએ કુદરતનું અનેરું  સર્જન છે . જેમાં વિવિધ પ્રકારના જીવજંતુ, પ્રાણી ,વનસ્પતિ ,માનવ વગેરેથી બનેલી જીવસૃષ્ટિ પણ  છે .આ  જીવસૃષ્ટિમાં જુદાજુદા સજીવો તેમનું જીવનચક્ર પૂરું કરતા હોઈ છે . પણ આપણે જ્યારથી ઉપભોક્તાવાદી અને વ્યાપારીક વૃત્તિના બન્યા ત્યારથી કુદરતમાં ઘણા જીવોને   આપણે બહુ  જ  નુકશાન કર્યું છે . દરેક જીવને જીવવાનો અધિકાર છે . પર્યાવરણમાં દરેકનું  કંઈક યોગદાન તથા મહત્વ પણ છે  જ એટલે તને ભલે કીડી સુલ્લક જીવ લાગતો હોય ,તે  આપણને નુકશાન ન કરે તો એને  આપણાથી નુકશાન ન થાય  તે પણ જરૂરી છે .’’ કંઈક ગુસ્સામાં તો કંઈક અંશે  કીડીબાઈ માટેના માનમાં મમ્મીએ   હેમાને  કહ્યું .

    ” મમ્મી ,કીડી એક સામાજીક  જીવ  છે .સખત મહેનત અને સહન શક્તિ માટે આપણા માટે પ્રેરણા રૂપ છે,તે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે ,એટલું તો મને પણ ખબર છે જ . પણ શું એટલે આપણી આજુબાજુ  તેનું રહેઠાણ કેવું લાગે ? ” હેમાએ મમ્મીને સવાલ કર્યો .

     બપોરે જમીને પપ્પા એમની બંને દિકરીઓ હેમા અને એશા સાથે   દીવાન ખંડમાં આરામ કરતા હતા ત્યારે  હેમાએ સિડીપ્લેયરમાં ,”કીડી બિચારી કીડલીરે કીડીના  લગનીયા  લેવાઈ ,પંખી પારેવડાને નોતર્યા ” વાળુ  ગીત ચાલુ કર્યું .

      હેમાની નજર તો મમ્મી પર જ હતી ,  મમ્મી આનંદમાં આવી સાંભળવા લાગ્યા ત્યારે જ નટખટ હેમાએ મમ્મીને ખીજવવા  સિડીપ્લેયર બંધ કરી ,મોટી બહેન એશા તથા પપ્પા તરફ જોઈને બોલી ” પપ્પા ,આ કીડી મમ્મીની સગી થાય   છે ? આજે હું સાફ સફાઈ કરતી હતી ત્યારે મમ્મીએ મને કીડીના દરને નુકશાન ન કરવા કહ્યું  અરે પણ   કીડી સિવાયના અન્ય  જીવોનું શું ?”

      પપ્પાએ માહોલને સામાન્ય બનાવવા માટે મરક મરક હસતા હસતા હેમાની મમ્મી  તરફ જોઈને  બોલ્યા ,”બેટા  ,કીડી તો કરડે પણ ખરી ! પણ જો તે તારી મમ્મીની વ્હાલી  હોઈ તો આપણે સ્વીકારવું  જ પડે .”

      અત્યાર સુધી શાંતિથી આ દ્રષ્ય  જોઈ રહેલ મમ્મીની વ્હાલી એશા બોલી ”મમ્મી ,આ બંનેની વાત ધ્યાનમાં ન  લેતાં ,તેઓને તો તમારી મજાક કરવામાં જ મજા પડે છે ,”

    એશાના શાબ્દિક સહકારથી આનંદિત થઇ હાસ્ય કલાકારની જેમ મમ્મી આદેશાત્મક સ્વરમાં  બોલ્યા ” એ હેમા તથા એના પપ્પા ,તમે બંને કાન બંધ કરી દો . અને સાંભળ બેટા એશા ,આ કીડીને લીધે જ તો મેં તારા પપ્પાને પસંદ કરેલ ,એટલે કીડી મારા માટે તો ગુરુ જેવી  છે ,જેમ કૂતરો પણ શ્રી દત્તાત્રે ભગવાનના ૨૪  ગુરુઓમાંના એક ગુરુ છે .”

     નટખટ હેમાએ મમ્મીને વધુ ખીજવવા માટે  બોલી ”  હેં  પપ્પા , આ  સાચુ  છે  ?”

 પપ્પા બનાવટી ગંભીર મુખમુદ્રા કરી બોલ્યા  ”મને તો એવું હતું કે તારી મમ્મીએ મારી ડિગ્રી અને નોકરીને લીધે મને પસંદ  કર્યા એવા વહેમમાં જ હું મશગુલ હતો ,પણ મારી પસંદગીમાં કીડીએ ગુરુ જેવો ભાગ ભજવ્યો એ જાણીને આનંદ થયો ,જય ગુરુ.”

    હજુ પણ વકીલાતપણુ  ચાલુ રાખતા હેમા બોલી ” પપ્પા , વહેમમાં જીવવાના લાભાલાભો તો હોઈ, પણ મમ્મી આજ સુધીના પપ્પાના  વહેમને દૂર કરવા ગુરુરૂપ કીડીની વાતના સતસંગનો અમને પણ લાભ આપો .”

   કિલ્લોલ કરતા કુટુંબનો સંતોષ અને  મુખ પર હાસ્યની ઝલક સાથે ભુતકાળમાં સરી ગયા હોય એવી રીતે  મમ્મી બોલ્યા  ”બેટા  લગ્ન માટે પસંદગી કરવા તારા પપ્પા મારા ઘરે આવ્યા હતા ,અમે ચા-પાણી  કરતા હતા ત્યારે એક કીડી મારી સાડીના પાલવ પર ફરતી હતી  તારા પપ્પાની નજરમાં એ આવ્યું ,તેમણે કીડીને હળવે હાથે ઉપાડીને બાજુમાં મૂકી દીધી . પ્રથમ મુલાકાતે જ આવા નાના સરખા  જીવ પ્રત્યેની એમની લાગણી અને સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાથી હું બહુ જ પ્રભાવિત થઇ ગઈ હતી ,અને  મનોમન પ્રભુને પ્રાર્થના કરી કે મને આવા ભરથાર જ જોઈતા હતા  .”

      હેમાએ અધૂરું  ગીત  ફરીથી શરુ કર્યું અને  મમ્મીને વીંટળાઈને  બોલી , ” મારા વ્હાલા  માતૃશ્રીં , લો આ સાંભળો તમારા ગુરુ તુલ્ય કીડીબાઇનું  ગીત .હવે દરરોજ બધાએ આ ગીત સાભળવું જ પડશે ”         બધા  જ હસી પડયા .

I DON’T CARE

નમ્ર વડીલોની અણગમતી સલાહ વખતે 

ખભા ઉછાળી બોલીએ ‘ I DON’T CARE’

મિત્રમંડળીમાંથી માર્મિક કોમેન્ટ વખતે 

નિષ્ઠુર થઈને બોલીએ ‘ I DON’T CARE’

સ્વજનોની મદદ માટેની વિનંતી વખતે 

સ્વાર્થી બની છણકો કરીએ ‘ I DON’T CARE’

જિજ્ઞાસે ટોળામાં જઈ મદદની જરૂર વખતે 

નિસ્પૃહી બની જઈ બોલીએ  ‘ I DON’T CARE’

સંબંધોની કાયમી માયાજાળથી છુટવા માટે 

અણગમો દર્શાવી બોલીએ ‘ I DON’T CARE’

મિત્રો ,શબ્દ એ શબ્દ છે ,એની પણ કિમંત હોય 

શબ્દભ્રમ માની જ્યાં ત્યાં ના બોલીએ ‘ I DON’T CARE’

              જુદા જુદા સમયે  વ્યવહારમાં કેટલાક વિશિષ્ટ શબ્દનો ઉપયોગ જુદી જુદી રીતે ઘણા  કારણોસર વધુ પ્રમાણમાં થતો હોય છે. ઘણી વખત ઘણા સારા ભાવાર્થવાળા શબ્દનો આવા મોટા પ્રમાણમાં ઉપયોગ કરનાર લોકો અર્થ સમજ્યા વગર ગમે ત્યારે આ શબ્દ બોલતા હોય, ત્યારે શબ્દની કિંમત, શબ્દની સામા માણસ ઉપર અસરને ધ્યાનમાં રાખી સમજુ લોકો આવા શબ્દ બોલતા વિચારે છે. વળી શબ્દ ઉચ્ચારણ તથા બોલતી વખતનો સ્વર ( ટોન ), બોલવાની છટા (હાવભાવ સાથે) દ્વારા જેતે વ્યક્તિના વ્યક્તિત્વનુ પણ દર્શન થતું હોય છે. આથી કોઈ પણ શબ્દ બેફામ રીતે ન વાપરતા યોગ્ય સમયે, યોગ્ય રીતે વ્યવસ્થિત ટોનમાં જ રજુ કરવો જોઈએ. 

           અત્યારના સમયમાં આ રીતે જ ‘I don’t care’ શબ્દ જુદા જુદા ઘણાં  સંદર્ભોમાં રોજબરોજ ઘણીવાર સાંભળવા મળે છે. ત્યારે આ શબ્દની મુલવણી, આ શબ્દનો પ્રભાવ, આ શબ્દની કિંમત દર્શાવવાના નમ્ર પ્રયાસ રૂપે ઉપરોક્ત રચનામાં રજુઆત કરવામાં આવી છે. જો કે હાલ મોટા ભાગે આ શબ્દને નકારાત્મક રીતે જ ઉપયોગમાં લેવાય છે.

          નમ્ર-સાલસ સ્વભાવના વડીલો પોતાના જીવનના અનુભવને આધારે, જીવેલા જીવનના નિચોડના આધારે, યુવાનોને સલાહ આપે છે. ત્યારે વડીલોના નમ્ર સ્વભાવને કારણે તેમને  અવગણીને   ખભાના હલનચલનના હાવભાવ દ્વારા આવી સલાહની કોઈ જરૂર નથી, અથવા તો આ સલાહ તો જૂનવાણી છે. તે કોઈ પણ રીતે તેમને ઉપયોગી નથી એવું માની લઈ  ‘I don’t care’ બોલે છે.

      મિત્રમંડળ એટલે રમતગમત, લાગણી, અનુભવ, જીવનની વાસ્તવિકતાં વગેરેનું આદાન પ્રદાન કરવાનું સર્વશ્રેષ્ટ માધ્યમ. પરંતુ ઘણીવાર પોતાનો અહમ, સ્વાર્થ કે મિથ્યા અભિમાન જેવા દુર્ગુણની નબળાઈને કારણે, ક્યારેક સાચા હિતેચ્છુ  મિત્ર દ્વારા   સાચી સલાહ   માટે  માર્મિક કોમેન્ટ કરવામાં આવે ત્યારે, પોતાની નબળાઈથી સાચા મિત્રને સમજવામાં ઉણા ઉતરેલ, મિત્રને સાચી રીતે ના સમજી શકવાથી તેમજ પોતાનો અહમ સંતોષવા નિષ્ઠુર  થઈને  ‘I don’t care’ બોલે છે.

        આ નંદ કિલોળથી જીવતું કુટુંબ એટલે જૂદા જૂદા ફૂલ છોડથી મહેકતો  બગીચો  . માનવ સંસારને બગીચl  સાથે સરખાવીએ તો વડીલો વૃક્ષ જેવા, યુવાનો અને બાળકો, ક્ષુપ, વેલ, છોડ જેવા છે. જ્યારે સંબંધોની  વિવિધતા, તાણાવાણા તથા આત્મીયતાને પાન, ફળ, ફૂલના રંગ, આકાર, સ્વાદ, સુઘંદ સાથે સરખાવી શકાય . સ્વજનો તથાઆત્મિયજનોથી  જ સંસાર  બગીચો  સદા મહેકતો રહે છે. આ સંસાર ,બગીચlમાં દરેક પોતાની રીતે વિકશે, ફળે ફૂલેએ માટેનું ઉત્તમ માધ્યમ પુરુ  પાડે છે. દરેકના વિકાશમાં આવતી હરીફાઈની પણ  અગત્યતા હોય છે. ‘જતું કરવું કે મેળવવું’ ની પ્રાથમિકતા અહીં જ શીખી શકાય છે. ઉમર વઘતા આવતી શારીરિક નબળાઈ કે સર્વના વિકાસ  માટે   વિસ્તરેલ કાર્યક્ષેત્ર માટે વડીલો અન્યને પોતાના કામ માટે મદદ કરવા માટે બોલાવે છે. આવા સમયે કેટલીક વાર લોકો પોતાની જાતને અન્યથી જૂદા સમજીને કે કોઈક ‘નાનાશા’ સ્વાર્થ માટે સ્વકેન્દ્રી બની  છણકો  કરીને    બોલે છે ‘I don’t care’.

    કુતુહલતા તથા જિજ્ઞાસુવૃત્તિને કારણે,  જાહેર  જગ્યાએ કે રસ્તા ઉપર કંઈક અજુગતું બને એટલે લોકોનું ટોળું ભેગું થઈ જઈ ‘શું થયું હશે? ચાલો,જોઈ  તો લઈએ.’ વિચારી જિજ્ઞાસાથી  ટોળામાં  ભળી જઈ  ત્યાંનું અવલોકન કરતાં આપણે કંઈક મદદરૂપ થવું જોઈએ, કંઈક મદદ કરીએ, એવું દિલ કહેતું હોય. પરંતુ કોઈક સ્વભાવગત નબળાઈ અથવા તો પારકી પંચાત સાથે આપણે શું લેવા દેવા, આપણને આવા બનાવ સાથે કોઈ નિસ્બત નથીનું દિલને આશ્વાસન આપી નિસ્પૃહી બનીને બોલીયે ‘I don’t care’.

         જૂદા જૂદા સંબંધો એટલે લેતીદેતીના સંબંધો (આદાન પ્રધાન), ટુ વે પ્રોસેસ, અન્ય આપણને મદદ કરે એટલે આપણે  પણ મદદ  કરવી જોઈએ એવું વિચારીયે છીએ. પરંતુ ઘણીવાર સંબંધોની વણઝારમાં સાતત્ય જાળવવું, કદમ સાથે કદમ મેળવવા  મુશ્કેલ  બને છે. તો કેટલીક વાર આ  સંબંધો પોતાની પ્રગતિમાં, પોતાના ટેટસમાં (દરજજામાં) ખલેલ પહોંચાડશે એવા ભ્રમિત ખ્યાલને પ્રાધાન્ય આપી, સંબંધોને માયાજાળ જેવા  સમજી  અણગમો દર્શાવી બોલીયે ‘I don’t care’.

         પરંતુ મિત્રો, હવે દિલની વાત કરવી છે. ઘણા વડીલોની સલાહનો સાર કહેવો છે. શબ્દ એ શબ્દ હોય છે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ દ્વારા, યોગ્ય રીતે બોલાયેલ શબ્દોએ દૂનિયામાં, સંસારમાં ઘણાના  જીવન બદલ્યા છે. શબ્દની ઘણીવાર ઝઘદા જેવી નકારાત્મક અસર પણ જોવા મળે છે. શબ્દ એટલે સામેના જીવ ને પછી તે પશુ – પંખી પણ કેમ ન હોય ! દરેકને  સમજવા માટેનું માધ્યમ. દરેક શબ્દને તેની કિંમત તથા આગવી અસર હોય છે. આથી શબ્દને શબ્દભ્રમ બનાવી કે માનીને ગમે ત્યાં ના બોલીયે ‘I don’t care’.

                                  પિગીબેન્ક

                                              રાજેષ એલ .પટેલ (દાંતેજ )

    દિવાળીના તહેવારની તૈયારી રૂપે રમેશભાઈ સ્નેહીજનો / મિત્રો માટે ભેટ તથા શુભેચ્છાપત્રની યાદી બનાવી રહ્યા હતા, ત્યારે  દબાતા બિલ્લી પગલે પાછળથી આવીને સોનુએ કોમળ હાથોથી પપ્પાની આંખો દબાવી લાગણી નીતરતા સ્વરમાં ટહુકો કર્યો ,”પપ્પા , આ તમારા માટેની દિવાળીની ભેટ. “

    સોનુની બચકાની હરકતથી ખલેલ અનુભવવા છતાં તેના કોમળ હાથોને પોતાના હાથથી આંખ પરથી દૂર કરતા રમેશભાઈ બોલ્યા ,” પણ એમાં શું  છે ? બેટા.” સોનુએ પેપરમાં વીંટાળેલ પિગીબેન્ક બહાર કાઢતા કહયું ,”પપ્પા ,આ મારા પિગીબેન્કના પૈસામાંથી તમારા માટે નવા વર્ષની ભેટ તરીકે સરસ મઝાનું સર્ટ લઇ આવજો.”

     રમેશભાઈએ સોનુને વ્હાલથી કહ્યું ,”બેટા ,એ તો તારી બચત છે,તારા માટે એમાંથી શું ખરીદવાનું ? હું તો આપણા બધા માટે કંઈક જરૂરથી ખરીદીશ જ. “

  સોનુએ આગ્રહથી કહ્યું કે,”પપ્પા તમે દર મહિને થોડાં થોડાં પૈસા બચાવી બધાના માટે દિવાળીએ  ભેટ લાવો  જ  છો, તે જ રીતે મારી બચત પણ બધાના માટે જ હોય ને ! અને તમે તો મારા ખુબ જ વહાલા પપ્પા “

    નાની હતી ત્યારે પોતાના સૌથી પ્રિય  રમકડાં કોઈને રમવા ન દેતી  નટખટ દીકરી પિગીબેન્ક પપ્પા સામે રાખી મદ્દદ કરવા બેસી ગઈ. ક્ષણિક સમય માટે રમેશભાઈ અપલક નયને સોનુને જોઈ રહ્યા બાદ મરક મરક હસતાં હસતાં બોલ્યા , ” બેટા ,તું ચાર વર્ષની હતી ને ત્યારનો મને તારો પૈસા માટેનો અનુભવ છે ” એટલું બોલી વિચારોના વંટોળમાં અટવાઈ ગયા હોય તેમ ભૂતકાળના વિચારમાં ડૂબી ગયા.

પોતાનાથી કઈ ભૂલ તો નથી થઈને ,પપ્પા કેમ એકદમ વિચારમાં ડૂબી ગયા? વિચારી સોનુએ, પપ્પાને ઢંઢોળીયા.

  રમેશભાઈનેપણ ભાવનાના પ્રવાહમાં  વહી ગયાની લાગણી થતા જ  સ્વસ્થ બની  સોનુને  પોતાના ખોળામાં બેસાડી ,હસતા હસતા કહ્યું  ,” આવતા વર્ષે તો તારા માટે નવી સાયકલ લેવાની છે ,ચાલ બેટા ત્યારે તને પિગીબેન્કવાળી વાત કરું.

   ગામમાં ફેરિયાઓ,બરફગોળો,ખમણ ,બોર ,જામફળ ,ગલેલી જેવી ખાવાની ચીજો વેચવા માટે આવતા ,તમારા જેવા બાળકો વડીલો પાસે જીદ કરીને પણ આ ચીજોની ખરીદી કરાવતા , તેં પણ એક દિવસ બાળ સહજ જીદ કરી ત્યારે તને સમજાવી પટાવીને આ ટેવથી દૂર રાખવા માટે તથા તું બીજા બાળકો સાથે સરખામણી ન કરે અથવા તું અમારા માટે નકારત્મક લાગણી ન ધરાવતી થાય  એટલા માટે એ ખરીદીના પૈસા તને આપ્યાબાદ પિગીબેન્કમાં ( બચતબોક્સ ) મુકાવ્યા અને ત્યારબાદ તારી પાસે નિયમિત બચત કરાવતા .’ કાંકરે કાંકરે પાળ બંધાઈ  ટીપે ટીપે સરોવર ભરાઈ ‘ કહેવત પ્રમાણે આઠ  મહિનામાંજ  તારી પિગીબેન્ક ભરાઈ ગઈ, આથી એક રવિવારે બપોરે જમ્યાબાદ આપણે બંને સાથે બેસી તારી પિગીબેન્ક ખોલી પૈસા ગણવા લાગ્યા ,તારો બપોરનો સુવાનો સમય થઈ ગયો હતો, આથી તું મારા ખોળામાં સુઈ ગઈ,પૈસા ગણવાનું પૂરું કર્યાબાદ તને વ્યવસ્થિત સુવડાવી  બચતના પૈસા  બચતપત્ર માટે ગોપાલભાઈને આપી આવી હું બીજા કામમાં પરોવાઈ ગયો. તું બીજા દોઢ  બે કલાક પછી જાગી ત્યારે આપણે બેઠા હતા ત્યાં ખાલી પિગીબેન્ક જોઈ , ખાલી પિગીબેન્ક મારી પાસે લાવીને બાળસહજ જીદ સાથે રડતા રડતાં કાલી ઘેલી બોલીમાં ઝગડતા ઝગડતા કહેવા લાગી કે ” માલા ,પૈસા કેમ લઇ લીધા ? ” અચાનક તારું આવું વર્તન જોઈ ઘડીક  તો હું પણ ડઘાઈ ગયો .મેં તને ફરીથી મારા ખોળામાં બેસાડી કહ્યું કે તારા પૈસા તો મેં ગોપાલકાકાને  પોસ્ટ ઓફિસની બચત યોજનામાં મુકવા આપેલા , પરંતુ તને મારી વાતમાં વિશ્વાસ ન હોય તેવું  વર્તન કરી રિસાઈને મારી પાસેથી રડતા રડતાં તારી મમ્મી પાસે પહોંચી ગઈ હતી .

હવે સંભાળ બીજા દિવસની વાત :

બીજા દિવસે સાંજે ગોપાલકાકા બચતપત્ર આપવા આપણે ત્યાં આવ્યા ,મેં તને ગોપાલકાકાની હાજરીમાં બોલાવી કહ્યું કે જો ,બેટા ,ગોપાલકાકા તારી પિગીબેન્કના પૈસામાંથી આ બચતપત્ર લાવ્યા તે મેં તને બતાવેલ તથા ગોપાલકાકાને ગઈકાલ વાળો આપનો પ્રસંગ ટૂંકમાં કહેલ . ગોપાલકાકા પણ તમારા જેવા બાળકોને ખુબજ પ્રેમ કરતાં આથી તેમણે તને પાસે બેસાડી તારા જેમ જ કાલીઘેલી ભાષામાં સમજાવેલ કે ‘તારા પપ્પાએ તારી પિગી બેન્કના પૈસા આપેલા હતા તેમાંથી તું જયારે બાજુના ગામની મોટી નિશાળે જશે ત્યારે તારા માટે સરસ મઝાની નવી સાયકલ ખરીદાઈ એટલા પૈસા આ બચતપત્ર તને આપશે . ત્યાર પછી તું મને તથા ગોપાલકાકાને અહો ભાવથી જોઈ રહી તથા મારામાં મુકેલ અવિશ્વાસ કે મને ખોટું લગાડયાની સમજ  પડી હોઈ  તેમ મને બાળસહજ નિર્દોષતાથી પ્રેમથી ગળે વીંટળાઈ હતી.

         હવે તો બેટા તું ઘણીજ  સમજુ  થઇ ગઈ છે . પરંતુ  આપણો આ પ્રસંગ મારા જીવનની સુખદ પળોમાંનો એક છે.ઘણીવાર આપણે મધ્યમવર્ગીય પરિવારોમાં  સામાજિક જવાબદારી ને પહોંચી વળવા માટેની અમ વડીલોની મથામણ, સમય સાથે કદમ મિલાવવા તથા તમને સારું શિક્ષણ આપવા માટે અમારે સતત આર્થિક સંકડામણ અનુભવીને પણ દરેક પ્રસંગોને ન્યાય આપવો પડતો હોય છે. તમે આ બધું સતત જોતા રહેતા હોવ ,તમારા ઘડતરમાં અનાયાસ એ આવી જતું હોય છે. આમ કુટુંબ કે  ઘરમાંથી  મળતું વહેવારીક જ્ઞાન મહાવિદ્યાલયમાંથી મળતી શિક્ષાથી ઓછું  નથી ! “

    તે સમયે જ રેડિયાપર ગીત વાગવા લાગ્યું , ” ચંદા  હે તુ મેરા સુરજ હે તુ ,હે મેરી આંખોકા તારા હે તુ ।।।।।।” અને બાપ દીકરી બાકી  લિસ્ટ  બનાવવા લાગ્યા.

કન્યાદાન

“અને હેલો બેન ,અમે બે મહિના પછી ઇન્ડિયા આવીશું ,જો તારી પાસે ત્રીસેક વર્ષ જૂનો પુરાણો તાંબાનો લોટો હોઈ તો જરા શોધી રાખજોને !”
કેનેડાથી નાના ભાઈનો ફોન નિયમિત આવે , કુટુંબ ,ગામ ,સમાજની વાતો ,સારા નરસા સમાચાર ,નવીનતાની આપ લે સદા થતી રહે . પરંતુ ઘણા સમય પછી ભાઈના ફોનમાં ઉપરના શબ્દો સાંભળી શંકા ગઈ કે ક્યાંક ભાઈ પણ કોઈ ઢોંગી ધૂતારાના ચક્કરમાં તો નથી ફસાયો ને ? પરંતુ તેમના અંધશ્રદ્ધા વિરોધી વિચારો તથા આજ સુધીની તેમની જિંદગીને જોતા ,મન એ માનવા તૈયાર ન હતું . તરત તો સમજ ન પડી પરંતુ આવી સુલ્લક વાતમાં પ્રશ્ન પુછી શંકા ઉભી કરવા પણ ન હતી માંગતી . આ પ્રશ્નએ બે ત્રણ દિવસ મારો પીછો ન છોડ્યો .
બે મહિના તો પાણીના રેલાની જેમ વહી ગયા .ઘણા વર્ષે ભાઈને રૃબરૃ મળવાનું થયું .એક અઠવાડિયું તો સ્નેહીજનો તેમજ સંબંધીઓને મળવામાં જ નીકળી ગયું . આજે રવિવાર હતો , ભાઈ સહકુટુંબ મારા ઘરે આવ્યો હતો. બપોરના જમ્યા બાદ અમે બંને પરિવાર આરામ કરતા કરતા જૂની વાતો વાગોળવા લાગ્યા . મને તક મળતા જ મેં સરસ રીતે કાગળથી પેક કરેલ ભેટ ભાઈને આપી .પ્રથમ તો તે કંઈ સમજ્યો નહિ અને મારા તરફ પ્રશ્નાર્થ ભાવે જોઈને કહ્યું ,” અરે વાહ ! શું છે આ ?”
” તમે જુઓ તો ખરા !” મેં પણ તેની ઉત્સુકતા વધારવા કહ્યું .
છેવટે તેણે એ કંઈક ભેટ હશે એવું સમજી પેકેટ તેની દીકરી દિયાને આપતા કહ્યું ,”બેટા , જુઓ તો ફોઈબા શું લાવ્યા છે ?”
દિયાએ ત્યાં ને ત્યાં તરત જ પેકેટ ખોલ્યું . પેકેટમાંથી પેલો જૂનો પુરાણો તાંબાનો લોટો જોઈને બધાને ખુબજ આશ્ચર્ય થયું . હું સસ્મિત સૌને જોતી રહી . દિયા ,મારા તેમજ તેના પપ્પા તરફ વારા ફરતી જોવા લાગી કે શું છે આ ? ભાઈની આંખમાં હર્ષના આંસૂ હતાં. હર્ષધેલા સ્વરે તેણે પૂછ્યું ,”બેટા, કહે જોઉં આ લોટાની કિંમત કેટલી હશે ?”
ભાવતાલમાં ન માનતા ભાઈ ,પોતાની દીકરીને આ સવાલ શા માટે પૂછતા હશે તેની અમને બધાને નવાઈ લાગી !
” ડેડી , મને તો ખબર ન પડે , મારે તો ફોઈબાને જ પૂછવું પડે .” બોલી ,દિયા મારા તરફ જોવા લાગી .
મેં દિયાને કહ્યું ,’’ દિયા આજથી પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલા આવા લોટાનો ઉપયોગ ગામડાના લોકો રસોડામાં કરતા , ત્યારે સોંગવારી હતી તો પણ આ લોટાની કિંમત પંદર -સત્તર રૂપિયા જેટલી રહેતી . ત્યારે લોકોની ખરીદ શક્તિ પણ ઓછી હતી આથી આવા વાસણ મોભાનું પ્રતીક ગણાતા .”
હવે મને ભાઈ માટે ઉદ્ભવેલ શંકાનું સમાધાન કરવાનો યોગ્ય સમય લાગતા મેં કહ્યું ,” ભાઈ ,માફ કરજે પરંતુ તેં ફોન ઉપર આ લોટાની વાત કરી ત્યારે મને તારા પ્રત્યે શંકા ગઈ હતી ,કેમ કે આજકાલ અમારે ત્યાં ઇન્ડીયામાં કેટલાક તાંત્રિક કે ધુતારા જ્યોતિષો , તેમના ચક્કરમાં લાલચુ માણસોને ફસાવી જૂની પુરાણી વસ્તુઓનો તાંત્રિક વિધિ માટે વાપરવાનો આગ્રહ રાખતા હોઈ છે . મને શંકા ગઈ હતી કે મારો ભાઈ આવા કોઈ ચક્કરમાં આવ્યા હોઈ અને તેં હિસાબે લોટો શોધતો નહિ હોઈને ?”
ભાઈએ પણ મારી ઉત્સુકતા વધારવા સામો સવાલ કર્યો ,”આ લોટો તારી પાસે કેવી રીતે આવ્યો ?”
મેં તેને જણાવ્યું કે આ લોટો મને કન્યાદાનમાં મળ્યો હતો .મારા લગ્નબાદ અમે જ્યાં રહેવા ગયા હતાં ત્યાં સાથે લઇ ગઈ હતી . પ્રારંભિક વર્ષોમાં અમે તેનો નિયમિત રસોડામાં ઉપયોગ કરતા . તેના ઉપર કોઈનું નામ ન હોવાથી કોણે આપેલ તે ખબર ન હતી . મને અન્ય વાસણોમાં આ લોટાનો ઉપયોગ કરતી વેળાએ જ નહિ પરંતુ જોવાથી પણ કંઈક જુદા જ પ્રકારનો આનંદ મળતો ,એટલે જ મેં એ જાળવી રાખ્યો છે .થોડા વર્ષો બાદ સ્ટીલના વાસણોનું ચલણ વધતા અમે પણ તે વસાવ્યા અને આ લોટો તથા અન્ય જુના વાસણોને અનામત મૂકી દીધા .
. મારી વાત સાંભળી ભાઈ જુદી જ દુનિયામાં ખોવાઈ ગયો , થોડા સમય પછી દિયા તથા ભાભીને સંબોધીને બોલ્યો ,”પહેલાના જમાનામાં ગામડામાં મોટા ભાગના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય રહેતી . પરંતુ ઘરની છોકરીના લગ્નમાં કન્યાદાન માટે સોનાચાંદીની જણસ ,વાસણો ,ઘરવખરીની વસ્તુઓ તથા અન્ય ફર્નિચર ખરીદતા ,તેમાંથી માતાપિતા સોના ચાંદીની વસ્તુ આપતા અને ઘરના અન્ય વડીલો તથા બાળકો પાસે બાકીની વસ્તુઓ અપાવતા . ભાઈ બહેનો પોતાની દીદીને જે કન્યાદાન આપે તે પોતે ખરીદીને લાવ્યા હોઈ એવા ઉત્સાહથી આપતા . ગામડાના લોકોનો પારસ્પરિક પ્રેમ આ રીતે દરેક પ્રસંગોમાં દેખાતો . ખોટા દેખાવ કે દંભને બદલે પ્રેમ અને માનસન્માનને મહત્વ આપતા .’’
મને ઉદ્ભવેલ શંકાનો જવાબ ન મળતા મારી ઉત્સુકતા વધી ગઈ આથી તેને અધવચ્ચે જ વાત કરતા અટકાવ્યો અને ક્હ્યું ,” ઓ મારા વીરા આ લોટાની જન્મકુંડળી કે ભૂતકાળ નથી જાણવો ,તારે એનું શું કામ છે તે જાણવું છે ?”
ભાઈ પોતાની વાત આગળ વધારતાં બોલ્યા ,”બેટા ,કેનેડામાં તો બે ત્રણ વર્ષ જુની વસ્તુને પણ આઉટ ડેટેડ ગણી નવી લેટેસ્ટ વસ્તુ લાવ્યાબાદ જૂની વસ્તુઓ ગાર્બેજ કરીએ છીએ ,ત્યારે મારા મોટાબેન આ લોટાને ત્રીસ વર્ષથી વધુ સમય જાળવી રાખ્યો છે। આ જ કદાચ ભારતીય લોકોની સમજ તથા સંસ્કાર હશે !”
હજુ પણ ચોખવટ ન મળતાં , બાળપણમાં જેમ હું તેને ચીમટો ભરતી હતી તેમ ચીમટો ભરી આદેશ કર્યો ,”જલ્દી આપો મારો જવાબ . ”
અમારા જેવા મોટેરાંઓની આવી હરકત જોઈ બંને પરિવારના બાળકો ખુબ જ રંગમાં આવી ગયા ,તથા આશ્ચર્ય અને અહોભાવથી અમને જોઈ રહ્યા .
ફરીથી ભાઈએ દિયાને સંબોધતા કહ્યું ,”સાંભળ બેટા ,ઘણીવાર ઘરમાં ત્રણ ચાર બાળકો હોઈ ત્યારે મોટા ભાઈ બહેન પોતાના હક્કથી અને નાના ભાઈબહેન લાગણીથી પોતાનું ધારેલું કરાવી દીદી માટે કન્યાદાનની વસ્તુ પસંદ કરે ,આથી ઘણીવાર વચેટ ભાઈબહેનમાં દુનિયાદારીનું જ્ઞાન આવી ગયું હોઈ તેમ મોટેરાં માટે માનથી અને નાનેરાં માટે પ્રેમથી પોતાનો હક્ક જતો કરે અને પોતાના હાથે કશું ન અપાય તો પણ ફરિયાદ ન કરે . મોટા ભાગના પરિવારમાં આવું થાય છતાં તે કોઈના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનતો . ”
ભાઈ વાત વધાર્યે જતાં હતા અને જવાબ માટે મારી આતુરતા વધતાં ,મેં મારી ભત્રીજી દિયાને કહ્યું ,”બેટા ,તારા પપ્પા મારો જવાબ ન આપે ત્યાં સુધી તારે પણ એમની લાંબી વાત સાંભળવાની નથી .‘’
દિયા પણ મારી વાતમાં સહમત થઈને તરત જ બોલી ,”હા ,ફોઈ બા હું તમારી સાથે જ છું. પપ્પા , પહેલા ફોઈબાના સવાલનો જવાબ આપો પછી બીજીવાત .”
ભાઈ સ્વયં સાથે વાત કરતા હોઈ તેમ બોલ્યા ,” વચેટ ભાઈને ખોટું ન લાગે તે સમજી શકાય ,પરંતુ પોતાની દીદીનો પ્રેમ તેને તેની બચતના પૈસા જોતો કરી દીધેલ ,બચતના પૈસામાંથી આ તાંબાનો લોટો ખરીદીને દીદીને કન્યાદાનમાં આપેલ . પરંતુ તેના પર નામ ન લખાવેલ કેમકે પાછળથી વડીલોને ખબર પડે અને કંઈક કહેશે તો ? બેટા ,આ ત્રીસ વર્ષથી પણ વધુ સમય માટે કોઈક અજ્ઞાત આકર્ષણથી બહેને જાળવી રાખેલ લોટો એ ફક્ત તાંબાનો લોટો જ નથી પણ નાના ટબૂકડાં ભાઈનો દીદી માટેનો પ્રેમ છે અને ત્રીસ ત્રીસ વર્ષોથી લોટાને જીગરના ટુકડાની જેમ સાચવનાર દીદીનો ભાઈ પ્રત્યેનો પ્રેમ છે . ”
અને તે સમયે બાજુના ઘરમાં ટ્રાન્ઝિસ્ટરમાં ગીત વાગતું હતું ,” તેરા મુઝસે હે પહેલે કા નાતા કોઈ ,યું હી નહીં દિલ લુભાતા કોઈ …..”

પ્રભુ પ્રાર્થના

poem-1
હે
પ્રભુ
માનવ
સદા રહે
માનવરૂપે
એવી દેજો મતિ
દુભાવે ના કોઈને
સમ દ્રષ્ટી રાખે સદા
હેતાળ હોઈ સર્વે સંગ
માનથીવર્તે વડીલ સંગ
જીવન જીવે ભાવ ભક્તિથી
દુર રાખે દુર્ગુણોને જીવનમાં
અહમ સ્વાર્થને દુર રાખે સદા
નિભાવે જવાબદારી જેતે સમયની
દયા દાન કરુણાથી ભર્યું હોઈ જીવન
મહેનત ઈમાનદારી હોઈ જીવન મંત્ર
પશુ પંખી વનસ્પતિનું કરે સદા જતન
હળીમળીને રહે પ્રકૃતિના સર્વે સર્જન સંગ
ધરતી પર હશે ત્યારે રામ રાજ્ય સદા સર્વત્ર