વિકાસની વક્રતા

 

  “આ  હા  હા ! એકવીસમી સદીના એકવીસમાં ( ૨୦૨૧) વર્ષની સરખામણી વીસમી સદીના (૨୦୦୦ )અંતિમ વર્ષ સાથે કરવામાં આવે તો માનવજાતે કેટલો બધો વિકાસ કર્યો ! આ ઈન્ફોરમેશન ટેક્નોલોજી અને કોમ્પ્યુટરે  તો કમાલ કરી,દુનિયાને ગામડું જ નહિ પણ ફળિયું,બનાવી દીધું એમ કહીએ તો પણ ખોટુ નથી.” દિપેશ વિકાસની વિલાસવાણીના પ્રવાહમાં બધાને હજુ આગળ તાણી જાત,પણ ત્યારે જ જીવણકાકાએ ગામના ચોતરે પ્રવેશતા કહ્યું ,”અલ્યા,દીપુ તારી બા ઢોરને પાણી પાવા તને ઘરે બોલાવે છે .”

  સાંજના સમયે ૮-૧୦ વડીલો અને યુવાનો ભેગા થતા હોય અને ગામ ગપાટા ચાલતા હોય કોઈને કોઈ સ્વ્યમસ્ફુરિત મુદ્દા પર ચર્ચા ચાલુ થતી.ભારતના કેટલાક ગામડામાં હજુ પણ જળવાઈ રહેલ આ પ્રથાથી ટેક્નોલોજીના યુગમાં વધતી જતી જનરેશનગેપને કંઈક અંશે દૂર કરી વડીલોને નવી ટેક્નોલોજી અંગે અને યુવાનોને વડીલોના અનુભવનું આદાનપ્રદાન થતું રહેતું હોય છે.

  જીવણકાકાએ બધાને ‘જય શ્રીકૃષ્ણ ‘ કર્યાબાદ બોલ્યા,”અલ્યાઓ ,આ દિપો હાની વાત કરતો ઉતો ?”

      કોલેજીયન દક્ષેષે જવાબ આપ્યો,”દાદા,એ તો અમે આજે વિકાસની (પ્રગતી ) વાત કરતા હતા .”

      ચર્ચામા જોડાતા હરીશભાઈ બોલ્યા,”આજની અદ્યતન ટેક્નોલોજી, મશીનરી,કોમ્પ્યુટરે  દરેક કામો ઝડપી બનાવી દીધા.ઓછા માણસો પણ ઘણું કામ કરી શકે.અમારા જમાના સુધી થયેલ વિકાસ એટલે આપણી મુખ્ય જરુરીયાતો રોટી,કપડાં,મકાન,વાહન વ્યવહાર,મનોરંજન વગેરેને લગતી આપણી જરૂરીયાતોને હાથવગી કરવા માટેની ગોઠવણ જ કહીએ તો પણ ખોટું નથી.પણ આજના વિકાસે તો ભારે કમાલ કરી ! સવારે ગામમાં તો ગણતરીના કલાકોમાં ઇંગ્લેન્ડ,અમેરીકા,કેનેડા,ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં,આ ઈમેલ તો એવુંને કે દુનિયાના કોઈ પણ ખૂણામાં તરત જ સંદેશો કે સમાચાર પહોંચાડી દે.આખો દિવસ ટીવીમાં દુનિયાના સમાચાર અને મનોરંજનના કાર્યક્રમો ચાલ્યા જ કરે.ઘર બેઠા બેઠા કચેરીનું કામકાજ થતું રહે.વાહન વ્યવહાર,મનોરંજન અને મોજ શોખની નવી નવી વસ્તુઓ વગેરે વગેરે  જોઈને અમારુ તો મગજ જ વિચારતું બંધ થઈ જાય તેવું !”

      વાતને આગળ વધારતા દિનેશ બોલ્યો,”વડીલો,જે તે  સમયને અનુરૂપ થયેલ વિકાસ યોગ્ય જ હતો.પરંતુ અત્યારે  દુનિયામાં વધતી જતી માનવ વસ્તીની જુદી જૂદી જરૂરિયાતોને  સંતોષવા માટે ટેક્નોલોજી જ એક માત્ર  માધ્યમ છે.અને આથી આજનો વિકાસ દુનિયાની બધી જ માનવ વસ્તીના ભેગા પ્રયત્નોને આભારી છે.”

      આગળ કહેવાનું બાકી રહી ગયેલ એવું યાદ આવતા હરીશભાઈ બોલ્યા,”ભાઈઓ દુનિયા સતત બદલાતી રહેતી જ હોય, બદલાતા સમય અને બદલાતી જરૂરિયાતોને પરીપૂર્ણ કરવા માનવી દ્વારા ઉપયોગમાં લેવાતી જુદી જુદી નવીનતમ  કાર્યપદ્ધતિના પરિણામનું ફળ એટલે વિકાસ .માનવ ઉત્ક્રાંતિમાં વિકાસે ઘણો જ અગત્યનો ભાગ ભજવ્યો છે.જંગલી અવસ્થાથી આજના સભ્ય સમાજની સફર વિકાસને જ આભારી છે.પરંતુ આપણે એ પણ સ્વીકારવુ પડે કે બદલાવ સમયને અનુરૂપ કે જે તે સમયની જરૂરિયાત મુજબ હશે,પણ તે સદૈવ માનવ જાત માટે ફાયદાકારક જ હશે એવું માનવું પણ યોગ્ય નથી.બદલાવનુ નિયંત્રણ કરવું ઘણુ જ મુશ્કેલ છે .”

     હરીશભાઈની વાતમાં સહમતી દર્શાવતા દિનેશ બોલ્યો,”હરીશભાઈ તમારી વાત ઘણી જ સાચી છે.આ ઇન્ફોરમેશન ટેક્નોલોજી કે કોમ્પ્યુટરના અવિચારી કે બિનજરૂરી વધારે પડતા ઉપયોગને કારણે માનવ જીવનમાં પ્રેમ,દયા,વિશ્વાસ,ત્યાગ,માન-સન્માન જેવી કેટલીયે ભાવાત્મક લાગણીઓને અવળી અસર પણ થઈ,જે માનવસભ્યતા,સંસ્ક્રુતિ માટે ગૌરવ પદ નથી.આથી જ હાલના સમયમાં જે વિકાસ પુરી માનવ જાતના ફાયદામાં હોવો જોઈતો હતો એ સિમિત વ્યક્તિઓ કે કંપનીઓ માટે જ રહ્યો છે,આ અસમાનતાના ત્રિભેટે ઉભેલ માનવજાતનું ભવિષ્ય શું હશે એ કહેવુ મુશ્કેલ છે.”

     અત્યાર સુધી શાંતિથી વિકાસની વાત સાંભળી રહેલ મગનકાકા બોલ્યા,”તારી વાત સાચી છે દિનેશ ,આદિકાળથી માનવજાતનો વિકાસ બહુયાયામમાં થયો છે,જેના ફળ સ્વરૂપે આપણી મૂળભૂત જરૂરિયાતો ઉપરાંત મોજશોખ,રમતગમત,અધતન વાહન વ્યવહાર,એટલુંજ નહિ સામુહિક જીવ સંહારક સાધનો જેવાકે જુદાજુદા બૉમ્બ,મિસાઈલ,યુદ્ધ ટેન્ક વગેરની પ્રગતિના કારણે  જુદા જુદા દેશો વચ્ચેની સશ્ત્રદોટના લીધે  કેટલીયે વાર દુનિયાની મોટા ભાગની જીવ સૃષ્ટિનો નાશ થઇ શકે એટલા સશ્ત્રો બનાવ્યા છે.”

    મગનકાકાની વાતને અનુમોદન આપતા દક્ષેષ બોલ્યો ,”દાદા,આજે શાળા,મહાશાળા કે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણ પણ એટલું બધુ વિસ્તર્યું છે કે પહેલાના સમયમાં અભ્યાસમાં ઘણા વિષયો શીખવવામાં આવતા હતા ,અત્યારે તેવા ઘણા વિષયોમાં સ્પેશિયાલિસ્ટની પદવી (ડિગ્રી )આપવામાં આવે છે .આ ઉપરાંત જુદા જુદા વિષયોમાં સંશોધનો તો અવિરત ચાલુ જ છે.”

    વાતનો દોર આગળ ધપાવતા હરીશભાઈ બોલ્યા,”દુનિયા અત્યારે વ્યાપારિકવૃત્તિથી ચાલે છે.જેમાં મહદ અંશે ફાયદો કે નફો જ જોવામાં આવે છે.માનવીય લાગણી ગૌણ બની ગઈ છે.આજનું વ્યવસાયિક શિક્ષણ પણ મોટાભાગે  રોજી રોટી કે આર્થિક માપ દંડથી જ આપવામાં આવે છે.ઘણા શિક્ષણશાસ્ત્રીઓએ પણ સ્વીકાર્યું છે કે શિક્ષણમાં માનવ સ્વભાવની મૂળભૂત લાગણીઓ,પ્રેમ,દયા,વિશ્વાસ,ત્યાગ ,વફાદારી,માન-સન્માન,વગેરે જેવા ગુણોને પણ પ્રાધાન્ય આપવાની જરૂર છે.નહિ તો દિનેશે કહ્યું તેમ દુનિયાનો વિકાસ ફક્ત થોડા વ્યક્તિઓના લાભમાં જ રહશે.”

     સાંપ્રત સમસ્યાને ચર્ચામાં સમાવતા દિનેશ બોલ્યો ,”અત્યારે પણ રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.દુનિયા આખીને બીક છે કે ક્યાંક એ ત્રીજા વિશ્વયુદ્ધમાં ન ફેરવાઈ.જોકે બધા જ દેશો આજના યુદ્ધના સંભવિત ભયાનક પરિણામથી થર થર કાંપે છે.કારણ કે આજે દુનિયાના જુદા જુદા દેશો પાસે જે અત્યાધુનિક સામુહિક સંહારકશાસ્ત્રોનો કુલ જથ્થો એટલો બધો છે કે જો આ બધાજ શાસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો ન જાણે કેટલીયેવાર દુનિયાનો વિનાશ થઇ શકે.”

    હરીશભાઈ બોલ્યા,”આપણે આ વિકાસની વાતના વિશ્લેષણમાં વિશ્વયુદ્ધની વાત સુધી વિચારીયે છીએ ત્યારે  પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯੧૮ ),બીજું વિશ્વયુદ્ધ( ૧૯૩૯-૧૯૪૫) અને ભવિષ્યમાં જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો અત્યારનાઆધુનિક સામુહિક સંહારક શાસ્ત્રોના ઉપયોગથી મોટા ભાગની માનવસર્જિત ભૌતિકસૃષ્ટિ અને કુદરતી જીવસૃષ્ટિ ખતમ થઇ જવાની શક્યતા હોઈ.મહાન આર્ષદ્રષ્ટા વૈજ્ઞાનિક અલબર્ટ આઈન્સ્ટાઈનને  ત્રીજા  વિશ્વયુદ્ધની ભયાનકતા વિષે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને કહ્યું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ એટલું ભયાનક હશે અને ત્યારે કેવા સશ્ત્રો વપરાશે કે તેના વિષે બોલવું મુશ્કેલ છે, પરંતુ ચોથું વિશ્વ યુદ્ધ લાકડી અને પત્થરોથી લડાશે. (Albert Einstein is often quoted as having said:‘I know not with what weapons world war- III will  be fought,but world war -IV will be fought with sticks and  stones).

    આતો ભાઈ એવું થયું કે કોઈ સજ્જન માણસ વિષે મોટા ભાગના લોકો સારો અભિપ્રાય જ આપતા હોઈ પરંતુ કેટલાક વાંક દેખા એમ પણ કહેતા હોઈ કે ‘ આમ તો આ માણસ બધી રીતે સીધો સાદો છે પણ કોઈકવાર વાંકો   પણ થાય છે એવો મારો અનુભવ છે’,બસ વિકાસનું પણ એવું જ હો ! ભાઈ.’                 અંતે બધા વિકાસની વાત કરી છુટા પડયા.

Published by Rajesh Patel Dantej

”દાંતેજ “ નવસારીથી દક્ષીણે ત્રણ કિ.મી. દુર આવેલ ગામ, મારી જન્મભૂમિ . પ્રાથમિક શિક્ષણ દાંતેજની નિશાળમાંથી અને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મદ્રેસા હાઈસ્કુલ નવસારીમાંથી મેળવેલ. નવલકથા અને કવિતા વાંચનનો રસ બાળપણથી જ હતો ,માધ્યમિક અભ્યાસથી જ લેખન પ્રવૃત્તિ તરફ વળવા માટે ભાતભાતના તુક્કા સુજતા , પરંતુ સંપૂર્ણ અમલ થયો ન હતો . ન. મ. કૃષિ મહાવિદ્યાલય , નવસારીમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ વીસ વર્ષ ત્યા જ નોકરી કરી . નોકરી દરમ્યાન બlગlયતશાસ્ત્ર માં ડોકટરેટની પદવી પણ મેળવેલ છે તેમજ ખેડૂતો માટે જુદા જુદા પાકોની ખેતી પદ્ધતિ , તથા સંશોધન આધારિત સંશોધનલેખો લખ્યા હતા. ચાલીસી વટાવ્યા બાદ ટોરોન્ટો કેનેડા આવવાનું થયું. કેનેડાના શરૂઆતના સંગર્શથી ભરેલ દિવસો દરમ્યાન બે ત્રણ મિત્રો ,વડીલોના સલાહ સુચન અને દોરવણીથી કવિતા અને હાસ્યલેખનું સર્જન થયું . અહી અમારા સમાજ ધ્વારા પ્રકાશિત થતાં દિવાળી અંકમાં બને છપાયા . આ બ્લોગ મેં 2010 માં શરૂ કર્યો હતો. આજ સુધી ટોરોન્ટોની શબ્દસેતુ સંસ્થામાં નિયમિત વડીલોને મળવાનું ચાલુ રાખ્યુ છે. મારા લખાણમાં વાક્ય રચના તેમજ શબ્દ જોડણીમાં ભૂલ હોઈ તો તે બદલ અગાઉથી જ માફી ચાહું છુ. આપનો સહકાર તથા પ્રોત્સાહન મારા માટે પ્રેરણારૂપ રહશે , આપ સર્વેને મારી કૃતિ માટે યોગ્ય પ્રતિભાવ માટે વિનવું છું.

4 thoughts on “    વિકાસની વક્રતા

  1. Very nice article, well explained about negative side of vikas which generally we never pay attention. Nice and balanced post.

Leave a comment